અમદાવાદઃ રાજકોટમાં આરોપીનું સરઘસ કાઢી માર મારનારા પોલીસો સામે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત  હાઇકોર્ટે આરોપીનું સરઘસ કાઢી માર મારનારા પોલીસોને રૂપિયા દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે.


આરોપીનું સરઘસ કાઢી માર મારનારા પોલીસોના બચાવમાં સીનિયર એડવોકેટે કોર્ટને કહ્યું હતું કે, આ તમામ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસો છે. આ પોલીસો આટલો મોટો દંડ ભરવા સક્ષમ નથી તેથી તેમને ઠપકો આપીને દંડમાંથી માફી આપવામાં આવે.


આ વિનંતી સામે  ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ટકોર કરી હતી કે, અમે વ્યક્તિગત રીતે જાણીએ છીએ કે કોન્સ્ટેબલો પોતાના પોસ્ટિંગ માટે શું શું કરે છે. તેમણે ચીમકી આપી હતી કે, દંડની આ રકમ ભરી દો અથવા  અમે ચાર્જ ફ્રેમ કરીશું તો પછી કેસ ચાલશે ને સજા થશે.


રાજકોટમાં 2017માં એક રીઢા આરોપીને પકડી તેનું જાહેરમાં સરઘસ કાઢવા અને માર મારવાના આક્ષેપ સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસો સામે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી. ધરપકડ બાદ આરોપી સાથે કાનૂની કાર્યવાહી કરવાના બદલે તેના પર  પોલીસ કસ્ટડીમાં અત્યાચાર થયો હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.


 આ મુદ્દે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટ દ્વારા અગાઉ આરોપીઓ  સાથે આ પ્રકારનું વર્તન નહીં કરવા આદેશ આપાયો હોવા છતાં કોર્ટન આદેશનું પાલન ન કરવા બદ કોર્ટે તમામ પોલીસોને દસ-દસ હજારનો દંડ ચૂકવવા આદેશ આપ્યો હતો.


પોલીસો તરફથી સીનિયર એડવોકેટ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, આ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ છે, તેઓ આટલો દંડ  ભરી શકે તેમ નથી.


 કોર્ટે કહ્યું હતું કે અમે વ્યક્તિગત રીતે જાણીએ છીએ કે કોન્સ્ટેબલો કેવી રીતે પોતાના  પોસ્ટિંગ માટે મંત્રીઓ અને ધારાસભ્યોને મળવાનો સમય મેળવી લે છે. કોર્ટ પહેલાં 25-25 હજારનો દંડ કરવાની હતી પરંતુ નવું વર્ષ હોવાથીકોર્ટ 10 હજારનો જ દંડ કરી રહી છે. આ રકમ જમા નહીં કરાવાય તો ચાર્જ  ફ્રેમ થશે. કોર્ટે વધુ સુનાવણી 17 જાન્યુઆરીના રોજ નિયત કરી છે.