અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે અનામત મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, સરકારી ભરતીમાં ઓપન કેટેગરીની મહિલા અનામતની બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલાઓનો હક છે. આ ચુકાદાના કારણે જ્ઞાતિના આધારે અનામત મેળવતી એસસી, એસટી, ઓબીસી મહિલા ઉમેદવારોને મોટો ફાયદો થશે. આ મહિલા ઉમેદવારોને ઓપન કેગેટરીમાં ગણી શકાશે તેથી તેમના દ્વારા ખાલી કરાયેલી એસસી, એસટી, ઓબીસી અનામતની બેઠક પર એસસી, એસટી, ઓબીસી કેટેગરીની મહિલાને તક મળી શકશે. ગુજરાત હાઈકોર્ટે ભરતી માટે સાત સ્ટેપની માર્ગદર્શિકા જારી કરી છે. ધારો કે કોઇ ભરતીમાં 100 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવાની છે, તો તેમાં બેઠકોની ફાળવણી નીચે મુજબ હશે.
કેટગરી કુલ બેઠક મહિલા
ઓપન કેટેગરી 51 17
એસ.સી. 12 4
એસ.ટી. 17 6
એસ.ઇ.બી.સી. 20 7
એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટે આગામી ભરતીમાં સાત સ્ટેપની માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર અને જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ને તેનું પાલન કરવા પણ આદેશ આપ્યો છે. સ્ટેપ-1 મેરિટ પ્રમાણે 100 ઉમેદવારોની યાદી તૈયાર કરવી. સ્ટેપ-2 ઓપન કેટેગરીનું લિસ્ટ તૈયાર કરવા સ્ટેપ-1ના 100 ઉમેદવારોમાંથી પ્રથમ 51 ઉમેદવારોની પસંદગી કરવી. આ પ્રથમ 51 ઉમેદવારોમાં તમામ કેટેગરીના ઉમેદવારો હોય છે. સ્ટેપ-3 સ્ટેપ-2ના 51 ઉમેદવારો પૈકી 12 ઉમેદવાર મહિલા હોવી ફરજીયાત છે. જો આ 51 ઉમેદવારોમાં ઓછામાં ઓછી 17 મહિલાઓ હોય તો કંઇ કરવાનું રહેતું નથી, કારણ કે 33 ટકા મહિલા અનામતના નિયમનું પાલન થાય છે. પરંતુ જો આ લિસ્ટમાં 17થી ઓછી મહિલાઓ હોય તેવા કિસ્સામાં નીચેની પ્રક્રિયા કરવી. ધારો કે આ 51ની યાદીમાં 10 મહિલાઓ જ છે અને સાત મહિલાઓ ઘટે છે. તેવા કિસ્સામાં 51ની યાદીના છેલ્લેના સાત પુરૂષ ઉમેદવારોને કાઢી નાંખો આ પછી સ્ટેપ-2ના 51 ઉમેદવારો બાદના ઉમેદવારો પૈકી પ્રથમ સાત મહિલાની પસંદગી કરવી. તેમજ તેને ઓપન કેટેગરીની મહિલા અનામતમાં સમાવિષ્ટ કરો. આ મહિલા ઉમેદવારો કોઇપણ કેટેગરીની હોઇ શકે છે. આવી રીતે ઓપન કેટેગરીની યાદી પૂર્ણ કરો. સ્ટેપ-4 સ્ટેપ-4માં એસ.સી. (અનુસૂચિત જાતિ)ના ઉમેદવારોની પસંદગી કરવી. સ્ટેપ-2ના 51 ઉમેદવારો બાદના પ્રથમ 12 એસ.સી. ઉમેદવારોની પસંદગી કરવી. સ્ટેપ-3માં કાઢી નાંખેલા સાત પુરૂષ ઉમેદવારો પૈકી કોઇ ઉમેદવાર એસ.સી. કેટેગરીમાંથી હોય તો તેને પણ આ 12ની યાદીમાં સમાવવામાં આવે. સ્ટેપ-5 એસ.સી. કેટેગરીના આ 12 ઉમેદવારોમાં ઓછામાં ઓછી 4 એસ.સી. મહિલા હોવી ફરજીયાત છે. જો આ યાદીમાં ચાર એસ.સી. મહિલા ઉમેદવારો હોય તો કંઇ કરવાની જરૂર નથી, પરંતુ ચાર મહિલા એસ.સી. ઉમેદવાર ન હોય તો નીચે જણાવ્યા મુજબ પ્રક્રિયા કરો. ધારો કે આ યાદીમાં માત્ર બે જ મહિલાઓ છે અને બે મહિલાની પસંદગી કરવી પડે તેમ છે. સ્ટેપ-2ની 51 ઉમેદવારો બાદની યાદીમાંથી પ્રથમ બે એસ.સી. મહિલા ઉમેદવારને પસંદ કરો. જો આ યાદીમાં છેલ્લે સુધી ક્યાંય કોઇ મહિલા ઉમેદવાર ન હોય તો આ જગ્યા એસ.સી. કેટેગરીના પુરૂષ ઉમેદવારને જશે. જો આ એસ.સી. કેટેગરીની પુરૂષ ઉમેદવાર ઇચ્છે તો આ જગ્યા આગામી ભરતીના એસ.સી. ક્વોટામાં કેરી ફોરવર્ડ થઇ શકે છે. સ્ટેપ-6 એસ.ટી. (શિડયુલ્ડ ટ્રાઇબ) કેટેગરીના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સ્ટેપ-4 અને પાંચનું પુનરાવર્તન કરવામાં આવે સ્ટેપ-7 એસ.ઇ.બી.સી. કેટેગરીના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સ્ટેપ-4 અને પાંચનું પુનરાવર્તન કરવું.