અમદાવાદઃ ગુજરાત(Gujarat)માં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ (Gujarat HC)ના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.  કોરોના સંક્રમણની ચેઇન (Corona Chain)ને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા (Gujarat Curfew) અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લોકડાઉન (lockdown)ની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. 




મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 


 


1 કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસીજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦ ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે. 


 


2 રાજ્યના ૮ મોટા મહાનગરોમાં ૫૦૦-૫૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે


 


3 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.


 


4 પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.


 


5 કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર – અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ ૧પ૦૦ ચાર્જ લઇ શકાશે – આ ચાર્જમાં રેમડીસીવીર  ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી.


 


6 સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડીસીવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ-નફો નહિ  નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.


 


7 આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની  કિંમતે નાગરિકોને મળતા થશે.


 


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.


 


કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.


 


સોમવારે સુરત શહેરમાં 603 અને ગ્રામ્યમાં 185 સાથે સૌથી વધુ 788 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૭૭૩ અને ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ કેસ નોંધાયા છે. વડોદરા અને રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૧૬-ગ્રામ્યમાં ૧૧૪ સાથે કુલ ૩૩૦, રાજકોટ શહેરમાં ૨૮૩, ગ્રામ્યમાં ૨૮ સાથે ૩૧૧ કેસનો સમાવેશ થાય છે. આમ, ચાર મહાનગરમાં જ ૨ હજાર ૨૧૬ નવા કેસ નોંધાયા છે. તો જામનગરમાં 124, મહેસાણામાં 88, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 66, પાટણમાં 65, પંચમહાલમાં 39 કેસ નોંધાયા છે.


 


અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧ ટકા છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨ હજાર ૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩ લાખ ૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨ ટકા છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦ ટકા, જૂનાગઢમાં ૯૭.૩૦ ટકા, બનાસકાંઠામાં ૯૭ ટકા, ગીર સોમનાથમાં ૯૬.૯૦ ટકાનો રીક્વરી રેટ છે. ૮૧.૯ ટકા સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.