અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે રિડેવલપમેન્ટ માટે સોસાયટીના ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોય તો બાકીના ૨૫ ટકા સભ્યોની મંજૂરીની જરૃરિયાત રહેતી નથી, એ મતલબના સીંગલ જજના ચુકાદાને બહાલ રાખ્યો છે. શહેરના જોધપુર વિસ્તારની એક સોસાયટીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠરાવ્યું કે, રિડેવલપમેન્ટ માટે ૭૫ ટકાથી ઓછા સભ્યોની મંજૂરી ચાલે નહી, ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોવી જરૃરી છે, તેથી ઓછી નહી.


અમદાવાદની એક સ્કીમમાં રિડેવપમેન્ટ મુદ્દે હાઇકોર્ટનો ચૂકાદો સામે આવ્યો છે. જોધપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ નગર કોપરેટીવ સોસાયટીના રી ડેવલોપમેન્ટને ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે મંજૂરી આપી છે. કોર્ટે ઠેરવ્યું,  રી ડેવલોપમેન્ટ માટે ઓછામાં ઓછા ૭૫ ટકા સભ્યોની મંજૂરી જરૂરી. રી ડેવલપમેન્ટના સમયે સ્થાનિક રહીશોનું ભાડાના મકાનમાં રહેવા જવું તેને તેમને ઘર વિહોણા બનાવ્યા તેવું ગણી શકાય નહીં. કોર્ટે પોતાના ચુકાદામાં "eviction" અને "dispossession" ની વ્યાખ્યાને લઈને પણ મહત્વના અવલોકનો કર્યા હતા.


ગુજરાત હાઇકોર્ટે ગુજરાત ઓનર્સશીપ ફલેટ્સ એકટ-૧૯૭૩ની જોગવાઇઓનું અર્થઘટન કરી ઠરાવ્યું કે, ૭૫ ટકા સભ્યો તૈયાર હોય તો મેનેજીંગ કમિટિ રિડેવલપમેન્ટ બાબતે નિર્ણય લઇ શકે છે. આ માટે મેનેજીંગ કમિટિએ જનરલ બોડી સમક્ષ રિડેવલપેન્ટના પ્રોજેકટ અંગેનો એજન્ડા મૂકવો જરુરી છે અને તેના પરત્વે સભ્યોની સ્વતંત્ર મરજી અનિવાર્ય છે.


જો સભ્યો આ અંગે પોતાની મંજૂરી આપે તો તે ૭૫ ટકાથી ઓછી હોવી જોઇએ નહી. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, કાયદાકીય જોગવાઇ મુજબ, જો કોઇ સોસાયટી, બિલ્ડીંગ કે ઇમારત ૨૫ વર્ષથી વધુ જૂનુ હોય તો જ અને સક્ષમ સત્તામંડળનો અભિપ્રાય એવો હોય કે, આ બાંધકામ જોખમી છે અને જર્જરિત હાલતમાં છે તેવા સંજોગોમાં જ રિડેવલપમેન્ટની પરવાનગી સત્તાવાળાઓ દ્વારા આપી શકાય. 


આ રિડેવલપમેન્ટનો મતલબ એવો નથી કે, કોઇને ઘર વિહોણા કરી નાંખવા. રિડેવલપમેન્ટથી કોઇને અળગા નથી રાખવાના પરંતુ તેઓને થોડા સમય માટે અન્યત્ર વૈકલ્પિક સ્થળે ભાડેથી સ્થળાંતરિત કરવાના છે, જે ભાડુ ડેવલપરે ચૂકવવાનું હોય છે અને બાદમાં નવા મકાનમાં પુનઃસ્થાપિત કરવાના છે. પ્રસ્તુત સોસાયટીના કેસમાં ૭૮ માંથી ૭૪ સભ્યોએ મંજૂરી આપી હતી. જેને સીંગલ જજે ગ્રાહ્ય રાખી હતી, આ હુકમથી નારાજ સભ્ય દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે અપીલ ફગાવી દઇ સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.