અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 7 થી 9 સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાત અનેક જિલ્લાઓમાં બે દિવસ બાદ ભારે વરસાદ પડી શકે છે.


સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ડુંગર, ધારેશ્વર, જુની માંડરડી, દીપડીયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. ડુંગર ગામે ધોધમાર 2 ઇંચવરસાદને પગલે ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીમા આવ્યું પૂર આવ્યું હતું. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. 


દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાના એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો. ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ પડી જતા ઠંડીનો માહોલ છવાયો છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ સિવાય  રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, માલવીયા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 


કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. પશ્ચિમ કચ્છના ગામડાઓ ગત સાંજથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. મેઘાડંબર વચ્ચે પશ્ચિમ કચ્છમાં ગામડાઓમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. વરસાદ પડતાં અબડાસાની લાખણીયા ગામની નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતા બારા ગામ નો વાહન વ્યવહાર અવરોધાયો. સારા વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ.



ખેડાના માતર પંથકમા મેઘરાજા મહેરબાન થયા હતા. સીંજીવાડા - પરીએજ -બામણગામમાં  દલોલી ગામોમાં વરસાદ થયો હતો. વરસાદ આવતા ધરતી પુત્રોમા ખુશી લહેર ફરી વળી હતી. હાલ ડાંગરના પાક માટે પાણી અછત છે. ત્યારે વરસાદ આવતા ખેડૂતો ના ડાંગરના પાકને જીવન દાન મળશે.કપડવંજ વરસાદનું આગમન થયું છે. કપડવંજમાં છેલ્લા ઘણા દિવસોના અસહ્ય ઉકળાટ બાદ અત્યારે મેઘરાજાની શાહી સવારી કપડવંજ આવી પહોંચી હતી.