અમદાવાદઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બન્યા પછી હવે નવા મંત્રીઓ આજે શપથ લેવાના છે. આ વખતે મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાશે, તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે એબીપી અસ્મિતાની સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય લલિત કગથરાએ આવું થશે તો આને ભાજપની મોટી ભૂલ ગણાવી હતી. તેમજ તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, પ્રદીપસિંહ-નીતિનભાઈ વિના મંત્રીમંડળ બની જ ના શકે.


તેમણે જણાવ્યું હતું કે, નો રિપીટ થિયરી એટલે શું? તમારે અહીંયા વારા કાઢવાના છે. ત્રણ દિવસ તું મુખ્યમંત્રી રહે અને ત્રણ દિવસ હું રહું. ગુજરાતની સરકારે તેમને ચૂંટ્યા છે સારો વહિવટ કરવા માટે નહીં કે વારા કાઢવા માટે. આમને વિચાર નથી આવતો કે, પ્રદીપસિંહ કે નીતિનભાઈ વગરની ધારાસભા કે મિનિસ્ટ્રી હોય. તમને જે લોકો વધુમાં વધુ કામ કરે છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે, એવા લોકોને તમારે હટાવવાના. આ કોઈ થિયરી મગજમાં બેસતી નથી. તમારે ગુજરાતની પ્રજાનું સારું કરવા માટેનો આ વહીવટ છે કે વારા કાઢવાનો વહીવટ છે. ગુજરાતના શાસનમાં સારા અને વહીવટ કૂશળ માણસો હશે તો જ ગુજરાતનો સારો વિકાસ થશે. આમા, નો રિપીટ થિયરી એ ભાજપ માટે આત્મઘાતિ સાબિત થશે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે સાંજે શપથવિધી થવાની છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. શપથવિધિ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથવિધિમાં મંત્રીઓને આવકારવા માટે ફૂલના હાર આવી ગયા છે. તેમજ મહેમાનો માટે ખુરશીઓ પણ આવી પહોંચી છે. તેમજ તેમના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.


હવે મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ત્યારે છેલ્લી ઘડીઓ ધારાસભ્યો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે નામોમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારે જેમના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. તેવા ત્રણ નામ સામે આવી રહ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, હર્ષ સંઘવી અને સંતરામપુરના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠકના ધારાસભ્ય પ્રો. કુબેર ડીંડોર મંત્રી પદના દાવેદાર છે. તેઓ આદિવાસી સમાજ નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જવાબદારી મળશે તો સમાજના ઉત્થાન માટે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.


સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ગઈ કાલે જ જે મંત્રીઓને પડતા મુકવાને છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી પૂરી શક્યતા છે. જો આવું થાય તો ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓ જોવા મળશે. આ મંત્રીમંડળમાં બેથી 3 વાર ચૂંટાયેલા ધારાસભ્યો કે, જેમને અગાઉ મંત્રીમંડળમાં સ્થાન આપી શકાયું નથી, તેમનો સમાવેશ કરાશે તેમજ કેટલાક નવા ચહેરા જોવા મળશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. 


કોળી નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમનું મંત્રી તરીકે નામ નિશ્ચિત થઈ ગયું છે.  દેવાભાઈ માલમ જૂનાગઢની કેશોદ વિધાનસભાના ધારાસભ્ય છે. 59 વર્ષીય દેવાભાઈ મોટા કોળી નેતા છે. દેવાભાઈ વ્યવસાયે ઉદ્યોગપતિ અને સાથે ખેડૂત પણ છે. તેમના પત્ની ગૃહિણી છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી જે નક્કી કરે તે શિરોમાન્ય. મંત્રીમંડળમાં વધુ ફેરફાર થાય તેવી શક્યતા છે. પાર્ટીએ મને ઘણા પદ આપ્યા છે. પાર્ટી જે પણ જવાબદારી આપે તે સ્વીકારવા તૈયાર છું. તક મળશે તો પક્ષ અને પ્રજાનું નિષ્ઠાથી કામ કરીશું, તેમ તેમણે જણાવ્યું હતું.


નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે.  નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે.