અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવતા ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાગવા માંડ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ 10 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે. બનાસકાંઠાના ભાભરમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકા અને વેપારીઓએ બેઠક યોજી હતી ભાભર નગરપાલીકાના પ્રમુખ ચીફઓફીસરના અધ્યક્ષ સ્થાને વેપારીઓ સાથે બેઠકમાં નિર્ણય લેવાયો છે. શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિણર્ય કરાયો છે. 


મોરબીમાં માળીયાના ખાખરેચી ગામે પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. જરુરી ચીજવસ્તુ માટે 8થી 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. કોરોનાની સ્થિતિને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીમાં હડમતીયા ગામે સ્વયંભૂ બંધનો નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોનાના કેસ વધતા સ્વયંભુ બંધનો નિર્ણય લેવાયો છે. ગામમાં માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૭ સુધી ખુલ્લી રહેશે, તો અન્ય ચા-પાણી, નાસ્તા સહિતની દુકાનો બંધ રહેશે. તા.૯ થી ૧૩ સુધી ગામમાં લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો છે. 


જામનગરમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં કોરોના ના 67 કેસ આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા માં 67 કેસ આવતા ફફડાટ ફેલાયો છે. આવેલ કેસોમાંથી નિકાવા ગામના જ 35 કેસ સામે આવ્યા છે.  કોરોનાના કેસ વધતા નિકાવા ગામના લોકોએ સ્વયંભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. નિકાવ ગામમાં આજથી સાંજના સાતથી સવારના છ વાગ્યા સુધી સજ્જડ લોકડાઉન રહેશે. નિકાવાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસનો રાફડો ફાટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે એક જ દિવસમાં  બે વ્યક્તિના કોરોનામાં મોતથી ગામ લોકો ફફડી ઊઠયા છે. 



રાજકોટમાં હડાળા ગામ આજથી 15 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના સામે લડવા માટે રાજકોટ જિલ્લાના ત્રીજા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના ન ફેલાઈ એ માટે ગામના લોકોએ નિર્ણય કર્યો છે. ગામ સવારે 7 થી 9 ગામ 2 કલાક ખુલ્લું રહેશે. સાંજે 5 થી 7 સુધી 2 કલાક ખુલ્લું રહેશે. રાજકોટ જિલ્લાનું પહેલું ગામ જે સ્વૈચ્છિક રૂપથી કોરોના સામે લડવા સજ્જ બન્યું છે. 


ગાંધીનગરના સરપંચોએ ગામોમાં લોકડાઉન કરવાનું શરૂ કરી દીધું છે. લવારપુરમાં કેસ વધે નહીં તે માટે ૧૪ દિવસનું બંધ અને આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા સુચના આપવામાં આવી છે. ધણપમાં પણ ગંભીર સ્થિતિને પગલે લોકડાઉનની સ્થિતિ છે. 


મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં 18 કેસ નોંધાતા 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે. ગામના મુખી વડા ફળિયાને ક્વોરેન્ટાઈન કરાયું  છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. જૂનાગઢમાં
કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં કોરોના કેસ વધવાથી બામણાસા ગ્રામ પંચાયતની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પંદર દિવસ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બામણાસા ગામમાં કોરોનાના કેસ આશરે ૧૫ જેટલા જોવા મળી રહ્યા છે. ગામની તમામ દુકાનો બપોરનાં ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલી રાખવા નિર્ણય કરાયો છે. ગ્રામ પંચાયતનાં નિયમનું પાલન ન કરનાર પાસેથી રૂપિયા એક હજાર દંડ બામણાસા ગ્રામ પંચાયત વસૂલ કરશે. 


સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના કહેરને લઈ હવે લોકો સતર્ક બન્યા છે ત્યારે એક બાદ એક ગામ અને નગરો સયંભુ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે ત્યારે બારડોલીના કડોદ બાદ માંડવી નગરજનોએ પણ 5 તારીખ થી લઈ 15 તારીખ સુધી સવારે 7 વાગ્યા થી બપોરે ત્રણ વાગ્ય સુધીજ દુકાનો ખુલ્લી રાખશે. ત્યાર બાદ તમામ વ્યાપારીઓ અને નગર જનો સ્વૈચ્છીક લોક ડાઉન નું પાલન કરશે.