અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ની જ સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના બહિષ્કારની જાહેરાત વચ્ચે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મંગળવારે પ્રાથમિક શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ યોજવાની જાહેરાત કરી છે. ગઈ કાલે સોમવારે મંત્રી અને અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું. બેઠક પછી શૈક્ષિક સંઘના મોહન પુરોહિત વધુ આક્રમક દેખાયા હતા અને શિક્ષણમંત્રી ચુડાસમા સામે ભ્રષ્ટાચનાર ગંભીર આરોપ મુકતા ભાજપ-ઇજીજી વચ્ચે રાજકારણ ગરમાયું હતું. 


બીજી તરફ શૈક્ષિક સંઘના ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે શિક્ષમંત્રી ભુપેન્દ્રસિંહે પુરાવા માંગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંઘના આક્ષેપોમાં તથ્ય હોય તો મુખ્યમંત્રી તપાસ કરાવશે. એટલું જ નહીં, સંઘના વિરોધ સામે રાજ્યના 1.18 લાખ શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે આજે કેટલા લોકો પરીક્ષા આપે છે તે જોવાનું રહ્યું. 


શૈક્ષિક સંઘના ગુજરાત પ્રભારી મોહન પુરોહિત અને રાજ્ય અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની બિલ્ડિંગ ખાતે મીડિયા સમક્ષ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બીજે ક્યાંય નહીંને ગુજરાતમાં જ આવી પરીક્ષા લેવાય છે. 


ગુજરાતમાં સૌથી જૂના રાજ્ય શિક્ષક મહાસંઘે સજ્જતા સર્વેક્ષણ માટે સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ મોહન પુરોહિતે કહ્યું કે, ગુજરાતમાં લોકપ્રિય સરકાર છે, પણ શિક્ષણ વિભાગમાં જડતા છે. અમે તેમની સામે આંદોલન કરીશું.  તેમણે કહ્યું હતું કે, મંગળવારે દરકે શાળામાં શિક્ષક ઉપવાસ કરશે. તેમનો પરિવાર પણ આંદોલનમાં જોડાશે.