અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા 6 જૂલાઇથી શરૂ થશે. બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાશે. આ પરીક્ષા અમદાવાદ અને બહારગામના ૧૫૦ કેન્દ્રો પર યોજવામાં આવશે. ૨૫ હજાર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.


તે સિવાય GUJCET 2021 પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. GUJCET 2021 પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 30-06-2021 હતી અને તે વધારીને 04-07-2021 કરવામાં આવી છે. સૂત્રોના મતે ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ ફક્ત નીટના આધારે થશે. ડેન્ટલ , આયુર્વેદ , હોમિયોપેથી આ કોર્સમાં એડમિશન સંપૂર્ણ નીટ પરીક્ષાના માર્ક્સના આધારે થશે. પેરા મેડિકલમાં એડમિશન ધોરણ 12 અને ગુજકેટ ના કંબાઈન્ડ મેરીટના આધારે મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ માટેની સેન્ટ્રલ કોલેજ જેમ કે આઈઆઈટી, એનઆઇટી, આઇઆઇઆઇટી તેમાં એડમિશન ફક્ત જેઇઇ ના આધારે મળશે. જ્યારે બાકીની એન્જિનિયરિંગ કોલેજમાં ગુજકેટ અને ધોરણ 12ના માર્ક્સના આધારે બનેલા મેરીટના આધારે મળશે. ગુજકેટ અને ધોરણ 12 ના આધારે મળનારા એડમિશનમાં ગુજકેટ અને ધોરણ 12ના માર્કસનો રેશિયો કેટલો હશે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.


ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં રાજ્યમાં સૌથી સારુ પરિણામ સુરત શહેરનું આવ્યું છે. સુરત શહેરમાં 84 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન આંતરીક પરીક્ષા આપી હતી.જેના ગુણનો સમાવેશ કરી પરિણામ જાહેર કરાયા છે.સુરતમાં રેકોર્ડબ્રેક 2991 વિદ્યાર્થીઓ ને A-1 ગ્રેડ આવ્યા છે. જોકે, સુરતમાં કેટલાક વિદ્યાર્થીઓ માસ પ્રમોશનના કારણે નાખુશ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હવે ધોરણ 11 અને 12 સાયન્સમાં વધુ મહેનત કરી પરિણામ લાવીશું. રાજકોટમાં પટેલ કોમ્પ્યુટર દ્ધારા CCCના પરીક્ષા વિના સર્ટીફીકેટ આપવા મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ કાર્યવાહી થશે.