Gujarat University Controversy: અમદાવાદમાં આજે વહેલી સવારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. ખરેખરમાં, શહેરની મોટી યૂનિવર્સિટી ગુજરાત યૂનિવર્સિટીની હૉસ્ટેલમાં અફઘાનિસ્તાનના કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારામારી થઇ હતી જેમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, આ સમગ્ર મામલો નમાઝ પઢવાને લઇને વકર્યો હતો, હવે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મોટી પ્રતિક્રિયા આપી છે અને તોફાની તત્વો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.  


ગુજરાત યૂનિવર્સિટીની હૉસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતાં વિદ્યાર્થીઓ બાખડી પડ્યાં હતાં. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં 4 ઇજાગ્રસ્ત થયા હતા. જેને SVP હોસ્પિટલ ખસેડાયા છે. 


ગુજરાત યૂનિવર્સિટી હૉસ્ટેલમાં મારામારીની ઘટના મામલે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ લાલઘૂમ થયા છે, તેમને ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા આપી છે અને આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. તેમને તોફાની તત્વો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. તોફાની તત્વો વિરૂદ્ધ પોલીસે કોઇ કાર્યવાહી ના કરી હોવાની વાત કરી છે. તેમને કહ્યું કે, કાર્યવાહી ના કરનારા પોલીસકર્મી વિરૂદ્ધ પણ કડક પગલા જરૂરી છે. 


કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, અમે પોલીસને જાણ કરી હતી, છતા કોઈ કાર્યવાહી કરી નહીં. વિદેશી વિદ્યાર્થીઓને બદલે પોલીસે ચોકીદારની ફરિયાદ લીધી છે. આવા પોલીસકર્મી વિરૂદ્ધ તાત્કાલિક પગલા લેવામાં આવે, અને સાથે સાથે વિદેશી વિદ્યાર્થીઓની ફરિયાદ દાખલ કરવામાં આવે. આ સમગ્ર ઘટનામાં લૂંટ અને ધાડ સહિતની કલમો FIRમાં નોંધવામાં આવે. વીડિયોના આધારે તોફાની તત્વોને તાત્કાલિક પકડવામાં આવવી જોઇએ. 


શું છે સમગ્ર ઘટના


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાને વિગતે સમજીએ તો  મળેલી માહિતી મુજબ ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ  વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તેનો  વિરોધ કર્યો હતો, બાદ બંને વિદ્યાર્થીના જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો ગરમાતા મારામારી પર વિદ્યાર્થીઓ ઉતરી આવ્યાં હતા. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.  બંને જુથના વિદ્યાર્થીઓની નમાજ મુદ્દે થયેલી બોલા ચાલી બાદ મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલા  વિદ્યાર્થીઓએ કેમ્પલમાં પણ તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી.


ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનામાં AIMIMના ઓવૈસીની પણ એન્ટ્રી થઇ હતી તેમણે કોઇ વ્યક્તિએ કરેલી પોસ્ટને રિપોસ્ટ કરી હતી અને સમગ્ર ઘટનાને વખોડી હતી.