Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજથી 31 સુધી હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. 

અંબાલાલ પટેલના અનુમાન મુજબ આઠથી દસ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે. જો કે ચોમાસુ બેસ્યા બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાઈ શકે છે. અંબાલાલ પટેલે તો બે વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે ત્રીજી જુને અમદાવાદમાં રમાનાર આઈપીએલની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. ત્રણ જુને અમદાવાદમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

તો બીજી તરફ હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસશે વરસાદ. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. સાથે જ સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલી પણ થશે પાણી-પાણી. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. 114 ટકા વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જ 119 ટકા વરસાદની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે. આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે. જ્યારે ગુજરાતના સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગ મુજબ 31 મે સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે. તો 30 અને 31 મેના દિવસે માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી અઠવાડીયાથી ગુજરાતમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.