Gujarat Weather Update: રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. તાપમાનનો પારો નીચે રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલતા હિટ વેવનો અનુભવ નહીં થાય. પવનની દિશા પશ્ચિમ તરફની થતાં રાહત મળશે. અગાઉ પવનની દિશા ઉત્તરીય રહેતાં હિટ વેવની આગાહી કરવામાં આવી હતી. 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટશે.
સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ
હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં તાપમાનમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન ગરમીમા વધારો થઈ ગયો છે. રાજ્યભરમાં દિવસે આકરી ગરમી દઝાડી રહી છે બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે.
રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં જ ઉનાળાની ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ સુધી ગુજરાતના કોંકણ અને કચ્છ વિસ્તારમાં હીટવેવ જોવા મળશે. આગામી બે દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરેન્દ્ર નગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું હતું. છેલ્લા 11 વર્ષના તાપમાનના આંકડા પર નજર કરીએ તો 2015માં ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ હતું.
16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ભુજ અને કચ્છ જિલ્લામાં 71 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 2015 પછી ફેબ્રુઆરીમાં છેલ્લા શનિવારે લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનો અંદાજ છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ એક સંકેત છે કે ગરમી રેકોર્ડ તોડવાની રાહ પર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાકાંઠાના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં અસામાન્ય ગરમી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં તાપમાન સામાન્ય કરતા 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. આ વર્ષે દેશમાં હીટ વેવ રેકોર્ડ તોડી શકે છે. હવામાનશાસ્ત્રીઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે, ફેબ્રુઆરીમાં જ ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ રાજસ્થાનના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર ચાલી રહ્યું છે. એવો અંદાજ છે કે, સમગ્ર એશિયામાં સૌથી પહેલા ભારતમાં સૌથી વધુ ગરમી પડી શકે છે.
માઉન્ટ આબુમાં પણ ગરમી વધી
માઉન્ટ આબુમાં દિવસ દરમિયાન તાપમાન વધી રહ્યું છે. માઉન્ટ આબુમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓનો ધસારો વધવા લાગ્યો છે. રજાના દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે.