અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર માટે અલગ હાઈકોર્ટની બેંચ અને ડીજીપી ઓફિસની માંગણી કરી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના સત્ર રાજકોટમાં પણ મળે, એવી માંગણી હાર્દિકે કરી છે. હાર્દિક પટેલે આજે એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમમાં કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકોએ પોતાના હાઈકોર્ટને લગતા કામો માટે અમદાવાદ સુધી લાંબા થવું પડે છે, તેમાં તેમનો બહુ સમય જાય છે અને ઘણીવાર ધક્કો પડે છે.


રાજકોટમાં હાઈકોર્ટની બેંચ હોય તો સૌરાષ્ટ્રના લોકોને રાહત થઈ જશે. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે, પોતે અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માંગણી નથી કરી રહ્યો, પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુરમાં વિધાનસભાના સત્રો મળે છે, એ રીતે ગુજરાતમાં પણ રાજકોટ અને ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રો મળવા જોઇએ.

હાર્દિક પટેલે દક્ષિણ ગુજરાતના ગામડાના લોકોને રાહત મળે એ માટે એ વિસ્તારમાં પણ આ પ્રકારની સગવડ કરવાની તરફેણ કરી છે.