અમદાવાદઃ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલી વધે એવા ઘટનાક્રમમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બોપલમાં 2017ના ડિસેમ્બરમાં મંજૂરી વગર રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. જી.એમ.ડી.સી. રાયોટિંગ કેસમાં હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતાં હાલ હાર્દિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ પહેલાં રાજદ્રોહના કેસમાં હાજર ના રહેતાં કોર્ટે હાર્દિક પટેલ સામે ત્રીજું ધરપકડ વોરંટ બહાર પાડ્યું હતું. આમ હાર્દિક પટેલ સામે કાનૂની સકંજો કસાતો જાય છે.


વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે 11 ડિસેમ્બર, 2017ના રોજ હાર્દિકે બોપલમાં રેલી કાઢી હતી. આ રેલીની મામલતદાર કચેરીએ પરવાનગી ન આપી હોવા છતાં રેલી કાઢવામાં આવતાં હાર્દિક સહિત 50 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમા લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહોતી કરાઈ પણ હવે અચાનક જ બિનજામીનપાત્ર વોરંટ નિકળતાં હાર્દિકની મુશ્કેલી વધી ગઈ છે.