અમદાવાદ: નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. દિવસેને દિવસે તેમને લઈને અનેક નવી નવી વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે, નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ વાત સામે આવી નથી. હવે આ અંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ખુલીને વાત કરી છે.
નરેશ પટેલ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, પાર્ટી હાઈ કમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જલદી નિર્ણય કરવો જોઈએ. અઢી મહિના થયા હજી સુધી નરેશ પટેલ અંગે પાર્ટી કોઈ નિર્ણય કરી શકી નથી. પાર્ટીએ નરેશ પટેલને સામેલ કરવા અંગે હા કે ના માં નિર્ણય જણાવવો જોઈએ. નરેશ પટેલ અંગે જ્યારે મીડિયામાં ખોટા સમાચારો સામે આવે છે ત્યારે દુ:ખ લાગે છે. નરેશ પટેલની પાર્ટીમાં જોડાવીની પ્રક્રિયા બે મહિનાથી ચાલી રહી છે તેમા પાર્ટીનું અપમાન થતું હોવાની વાત હાર્દિકે કરી છે.
તેમણે કહ્યું કે, જ્યારે નરેશ ભાઈએ કહ્યું કે હુ સારી રીતે સમાજ સેવા કરવા માગુ છુ, એનો મતલબ કે તેઓ રાજકારણમાં જોડાવા માગે છે. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી છે. તો પછી તેમને સામેલ કરવા અંગે કેમ કોંગ્રેસ પાર્ટી નિર્ણય લેતી નથી. હાર્દિક પટેલે દિલ્હી અને ગુજરાતના નેતાઓએ આ અંગે ટકોર કરી છે, તેમણે કહ્યું કે, આ વાતનો બને તેટલી વહેલી તકે નિર્ણય આવવો જોઈએ. કોઈ દિવસ મીડિયામાં એવું ચાલે કે, નરેશ ભાઈએ ફલાણી માગણી કરી પરંતુ નરેશ ભાઈએ કોઈ માગણી કરી નથી. કોંગ્રેસ પાર્ટીને નિર્ણય કરવામાં વાંધો શું છે.
હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ચૂંટણીની લડશે
કોર્ટના નિર્ણય અંગે તેમણે કહ્યું કે, કોર્ટના આ નિર્ણયને ચૂંટણી સાથે ન જોડવો જોઈએ. આ પહેલા સમાજ માટે અને લોકોના હિત માટે જે કામ અમે રસ્તાઓ પર કરી રહ્યા હતા હવે તે કામ લોકસભામાં કે વિધાનસભામાં જઈને કરવાની કોર્ટે તક આપી છે. હાર્દિક પટેલના જ્યારે પૂછવામાં આવ્યું તમે કઈ બેઠક પરથી ચૂંટણી લડશો ત્યારે તેમણે કહ્યું કે, સ્વાભાવિક છે જ્યારે ચૂંટણી લડવાની વાત આવે ત્યારે કોઈપણ ઉમેદવાર તેના વતનમાં કે ક્યાં તેના શુભચિંતકો વધુ છે જે વિસ્તાર પસંદ કરે છે. મારૂ વતન વિરમગામ છે જો મને મોકો મળશે તો તેના વિકાસ માટે કામ કરીશ. આ ઉપરાંત પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ.