અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ કરી છે તેમજ પોતાના પરિવારના ત્રણ-ત્રણ સભ્યો છેલ્લા 4 જ મહિનામાં ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કોરોનાકાળને યાદ કરતાં આ પોસ્ટ કરી છે, જેમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું છે કે, છેલ્લા બે વર્ષ દરેક પરિવાર દુઃખ અને પરેશાનીમાંથી પસાર થયો છે. કોરોના મહામારીમાં આવેલા દુઃખથી ઘણા પરિવારોની આંખોના આંસુ હજુ પણ સુકાયા નથી. મેં પણ છેલ્લા ચાર મહિનામાં મારી પરિવારમાં ત્રણ વડીલોને ગુમાવ્યા છે. એપ્રીલ અને મેં મહિનામાં મારા મોટા મમ્મી અને મારા પિતા નું નિધન થયું અને આ મહિને મારા દાદા નું પણ નિધન થયું. કોરોના મહામારી માં ઘણા એવા પરિવાર છે જેમણે પરિવારને તૂટતું જોયું છે. પરિવાર માંથી સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે, અને બધા પરિવારની માફક મેં પણ આ દુઃખ છેલ્લા પાંચ મહિનામાં જોયા છે. મારી સંવેદનાઓ આપ સૌની સાથે છે, આપણે સૌ વૈકુંઠ ધામ પામેલા સ્વજનો ની પવિત્ર આત્માની શાંતિ માટે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ. ૐ શાંતિ
નોંધનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પાટીદાર આંદોલન અંગેના કેસ પાછા ખેંચવા રજુઆત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કેસ પાછા ખેંચવાની માગણી કરી છે. અગાઉ સરકારે કેસ પરત કરવાનું વચન આપ્યું હતું, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે.
સુપ્રીમકોર્ટે પણ સરકાર સામે બોલનાર પર રાજદ્રોહનો કેસ ન કરવા કહ્યું છે. પદ્માવતી ફિલ્મના વિરોધ અંગે કરણીસેના સામે થયેલા કેસ પાછા ખેંચાયા છે. પાટીદાર આંદોલન અંગેના પોલીસ કેસ પાછા ખેંચવા કાર્યવાહી કરો, તેમ હાર્દિક પટેલે પત્રમાં રજૂઆત કરી છે. સરકારે આપેલા વચન પુરા કરવા દરેક મુખ્યમંત્રીની ફરજ છે, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ આપને અભિનંદન પાછવુ છું. ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભલીને સારા કામ કરશો. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો, એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તે આશા રાખું છું.
પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઉભું કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજે દાન આપીને સંસ્થાઓ ઉભી કરી છે. હવે ગામડાઓમાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે. તેથી ઘણાં કૂટુંબોમાં ગરીબી વધી છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે 2015ના જુલાઇ મહિનામાં પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. તે આંદોલનથી વિવિધ યોજનાઓ થકી પાટીદાર સમેત અનેક સમાજના ગરીબ વર્ગને ફાયદો થયો છે.
હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, એક કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલન કરેલું, તેમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે. જો આંદોલન ખોટું હોત તો તે ફાયદો ન થયો હતો. માત્ર ગુજરાત જ નહીં પણ કેન્દ્રની સરકારે પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યા હતા.