અમદાવાદ: લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફરી એક વખત લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયા છે. વિરમગામમાં ACBની સફળ ટ્રેપ કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદી વિરૂદ્ધ જમીનની બાબતમાં ગુનો દાખલ ન કરવા બે લાખની લાંચ માગી હતી.  


ACBએ સફળ ટ્રેપ કરી


આરોપીઓ (1) બાબુલાલ શંકરભાઈ પરમાર, હોદ્દો : અ.હે.કોન્સ., વર્ગ -૩, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તા.વિરમગામ (2) રિઝવાન મહંમદ રફીક મેમણ, હોદ્દો: હોમગાર્ડ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન સામે ACBએ સફળ ટ્રેપ કરીને ઝડપી લીધા છે. 


તારીખ 04-12-2023ના રોજ ગુન્હો બન્યો છે.  2 લાખ રુપિયાની રકમની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા 2 લાખ લાંચની રકમ સ્વિકારવામાં આવેલી છે. એસીબીની ટીમે તેમની પાસેથી બે લાખની રકમ રીકવર કરી છે.  વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો બન્યો  હતો. 


બે લાખ રુપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી


આ કામના ફરીયાદીની વિરુદ્ધમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જમીન પ્રકરણ બાબતે અરજી થયેલ હોય અને જે અરજીના કામે ફરિયાદીને નિવેદન લખાવવા સારું બોલાવી ફરીયાદી વિરૂધ્ધમાં ગુન્હો દાખલ નહિ કરવા પેટે આ કામના આક્ષેપિત નં.1 એ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.2,00,000/- ની લાંચ ની માંગણી કરતા, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન પંચ-1 ની હાજરીમાં બન્ને આક્ષેપિતોએ હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.1 એ લાંચના નાણાં આક્ષેપીત નં.2 ને આપી દેવા જણાવી આક્ષેપિત નં.2 એ લાંચના નાણાં સ્વીકાર્યા હતા. જેને લઈ એસીબીએ બંને સામે ગુન્હો દાખલ કર્યો છે.  


સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ દ્વારા કોઈપણ કામ કરવા માટે લાંચની માંગ કરવામાં આવતી હોય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓની સામે ACB દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્યમાં લાંચ લેવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવા સરકારી બાબુઓની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.