Ahmedabad Rain Update: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. સુરતમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબકતા પૂર આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ વરસાદી માહોલ રહેશ.   તાજા અપડેટ પ્રમાણે, અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ગઈકાલે અમદાવાદમાં જોરદાર વરસાદ પડ્યો હતો

સોમવારે સાંજે પણ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો હતો.ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી છે. સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.  એસજી હાઇવે, ઇસ્કોન, પ્રહલાદનગર, બોપલ અને શેલમાં ધોધમાર વરસાદ વરસ્યો  હતો.  આ ઉપરાંત ગોતા, સોલા વિસ્તાર, માનસી સર્કલ, જોધપુર ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો  હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમરેલી, ભાવનગર, સુરેન્દ્નગર, રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં  પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ આજે ઠંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારના દિવસે અમદાવાદ શહેરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં  છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ પડ્યો છે.  પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, બારડોલીમાં 6.6 ઈંચ વરસાદ, ઓલપાડમાં 5 ઈંચ વરસાદ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ વરસાદ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ વરસાદ અને તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે સુરત શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય. સુરતના દરેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. અતિભારે વરસાદ વરસતા જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.