અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાના વધુ એક રાઉન્ડની એન્ટ્રી થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે.



આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. 28મી ઓગસ્ટે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.



24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, 26મીએ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, 27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.