Ahmedabad Rain: વાવાઝોડું પસાર થયું પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ત્રણ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આજે સાંજે તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી પણ છે. જેના કારણે આજે અમદાવાદમાં એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તો રિવરફ્રંટ, કાંકરિયા અને બાગ બગીચાઓ પણ બંધ રહેશે. તો ગુરુવારે વાવાઝોડાની અસરના કારણે 30 સ્થળો પર વૃક્ષ અને ત્રણ હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ફાયર વિભાગને ફરિયાદ મળી હતી. તો ત્રણ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ અને કામગીરી કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.


રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.


છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ









કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ


દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ


કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ


જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ


બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ


કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ


નોંધનીય કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. 


વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે.  વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.