અમદાવાદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, સરખેજ, ઈસ્કોન અને ચાંદખેડા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બોપલમાં ધોધમાર વરસાદ
અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. બોપલમાં ધોધમાર વરસાદ શરુ છે. બોપલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. બોપલની સોસાયટીઓમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે. બોપલના BRTS રુટ ઉપર પણ પાણી ભરાવા લાગ્યા છે. ઈન્ડિયા કોલોની, શ્યામવૃંદ ટેનામેન્ટ, અભિષેક સોસાયટીના માર્ગો પર પાણી ભરાયા છે.
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
ભાવનગર શહેરના ભીડભંજન ચોક, જશોનાથ સર્કલ, કાળાનાળા, નવાપરા, ઘોઘા ગેઇટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકો પણ ખુશખુશાલ થયા છે. ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે.
સુરત શહેરમાં ભારે વરસાદ
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભારાય છે.
પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં
સુરત શહેરમાં ફરી એક વખત પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા ભેસ્તાન-સચિન માર્ગ બંધ છે. મુખ્ય માર્ગ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરત શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
2 ઈંચથી વધારે વરસાદમાં જ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણીના કારણે જનજીવનને અસર થઈ છે. મેઘરાજાએ ફરી સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.