અમદાવાદ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  અમદાવાદ શહેરમાં પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદની શરુઆતથી થઈ છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, જીવરાજપાર્ક, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મેઘાણીનગર, સાબરમતી, સાયન્સ સીટી, ગોતા, ગુજરાત હાઈકોર્ટ, બોપલ અને શેલામાં પણ ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. 

વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદના  એસ.જી. હાઇવે , વેજલપુર,  ઇસ્કોન,સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 

અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસાદના આગમનના કારણે જોરદાર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  

અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  દિલ્હી દરવાજા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે. 

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર,મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર,  બોટાદ,  ભાવનગર,  અમરેલી,  રાજકોટ,  સુરેન્દ્રનગર અને મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ  અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આવતીકાલે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ 

17 જૂન  મંગળવારના દિવસે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી , ડાંગ, નવસારી  અને વલસાડ જિલ્લામાં  છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી થઈ ગઈ છે. તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 

હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત,અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે  જમાવટ કરી છે. ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2-2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ટ્રફ લાઈન સર્જાઈ છે. જે વરસાદી પવનોને ખેંચી રહ્યો  છે.