અમદાવાદ : રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાઇ જતા અનેક સ્થળે વાહનોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઇ ગયા હતા. અમદાવાદના માનસી ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા AMCની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.
વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એક કલાકમાં જ ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે અખબારનગર અને મઠીખળી અંડરપાસ ભરાઇ જવાના કારણે તંત્ર દ્વારા બંન્ને અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે એક કલાકમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી.