અમદાવાદ: ભારે બફારા અને ઉકળાટ બાદ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  બોપલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શહેરના શાસ્ત્રીનગર, એસ.જી. હાઈવે, બોપલ, સાયન્સ સિટી, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 23 તારીખે લો ડિપ્રેશન સર્જાતા અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વરસવાનું ચાલુ થતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં વરસાદ  ચાલુ થઈ ગયો છે. 


અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, સેટેલાઈટ, બોપલ, નારણપુરા, ચાંદકેડા, સાબરમતી, રાણીપ, જ્યારે  પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, ઓઢવ, રખિયાલ, અમરેઈવાડી, હાટકેશ્વર, મણીનગર સહિત લગભગ પુરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ


વરસાદની આગાહીની વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાજકોટના કાલાવડ રોડ, લીમડા ચોક, એસ્ટ્રોન ચોક, બસ સ્ટેશન, નાના મવા, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 


ધોધમાર વરસાદ શરૂ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોને પણ સારા પાકની આશા જાગી છે.  રાજકોટ જિલ્લામાં આ સિઝનમાં માત્ર અત્યાર સુધીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.  રાજકોટ જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 19 ટકા જ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં આ સિઝનમાં માત્ર સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ 24 ટકા જ વરસાદ વરસ્યો છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગોંડલમાં જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કોમ્પલેક્સ રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગુંદાળા શેરીમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા.  જેતુપર રોડ પર ભારે વરસાદને લઈને ભૂવા પડ્યા છે અને ભૂવામાં પાણી ભરાવાને લીધે અક્સમાત થતા જોવા પણ મળ્યા. કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.