ભારે વરસાદને કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ સાથે જ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી. વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ, અડાલજ, બોપલ, ઘુમા, એસજી હાઇવે, સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બગોદરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
આખો દિવસ ઉકળાટભર્યા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો થયો અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં વિરમગામ, ડુમાણા, કાંકરાવાડી, વણી, ગોરૈયા, રહેમલપુર, કાલીયાણા, ધાકડીમાં પણ વરસાદ પડ્યો હતો.