હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે અમદાવાદમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ ભારે વરસાદની આગાહી થતાં તંત્ર સજ્જ થઈ ગયું છે. 1 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને NDRFની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને જોતાં એનડીઆરએફની 9 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.
વરસાદની આગાહીને લઈને NDRFની 9 જેટલી ટીમો રાજ્યના અલગ અલગ ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. NDRFની 3 ટીમોને દક્ષિણ ગુજરાત, 5 ટીમોને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેંડ બાય રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના માછીમારોએ અગામી બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.