Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે. આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૬૯ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

જુનાગઢમાં વરસાદી માહોલજુનાગઢ જિલ્લામાં ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. વિસાવદર અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે, જેમાં વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ અને ભેસાણમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. વિસાવદરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જ્યારે જુનાગઢ સહિત અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

પંચમહાલમાં ધોધમાર વરસાદ અને પાનમ ડેમના દરવાજા ખોલાયાપંચમહાલના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોધરામાં કલેક્ટર કચેરીના ગેટ પાસે પાણી ભરાયા છે. વરસાદને પગલે પાનમ ડેમના પાંચ દરવાજા ૭ ફૂટ ખોલીને ૪૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમ અપડેટ અને એલર્ટનર્મદા ડેમના ૧૫ દરવાજા ૩.૩૫ મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી ૩ લાખ ૪૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે થોડીવારમાં ૩ લાખ ૯૫ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

નર્મદા નદી કિનારે આવેલા વડોદરાના શિનોર અને કરજણ તાલુકાના તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. શિનોર તાલુકાના એલર્ટ કરાયેલા ગામોમાં શિનોર, માલસર, સુરાશામળ, માંડવા, બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા, અને દિવેરનો સમાવેશ થાય છે. જ્યારે કરજણ તાલુકાના ગામોમાં સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, પુરા, ઓઝ, અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ, અને આલમપુરાને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાહનવ્યવહાર પ્રભાવિતરાજ્યમાં ભારે વરસાદના કારણે ૮૫ રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો છે, જેમાં ચાર સ્ટેટ અને બે નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. પંચાયત હસ્તકના ૭૭ રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.