Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે થી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી
આગામી સમયમાં ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
મધ્યમ વરસાદની આગાહી
દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ અને ભાવનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની મહેર જોવા મળશે.
હળવા વરસાદની આગાહી
ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને પાટણમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક ફેલાશે અને લોકોને ગરમીથી રાહત મળશે.
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર
હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
પાણીના પ્રવાહમાં કાર તણાઈ
વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી હતી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મંદિર તરફ જવાના પગથિયાં પર પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો ફોટોગ્રાફીનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ
તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનપુર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનપુરના પીપેરો. વેડ, ખોખરા, કુદાવાડા, દુધામલી, વારસીયા ગામોમાં વરસાદ ખાબક્યો હતો.