Gujarat Rain: ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

મધ્યમ વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અને ભાવનગરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

આગામી બે દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે.  જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

રાજ્ય પર સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે. આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે  વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હળવા વરસાદની આગાહી

બીજી તરફ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જમન, દાદરા નગર હવેલી, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ

રાજયમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.  ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે.  પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ બંધ છે.