Gujarat Rain: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24  કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે. રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Continues below advertisement

5 જિલ્લામાં 'યલો એલર્ટ'હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

માછીમારોને સૂચનાહવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ'નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.

અમરેલી: છેલ્લા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ બેકાબૂઅમરેલી જિલ્લામાં છેલ્લા નોરતે વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યો હતો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજુલામાં તો ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા, જેમણે ડુંગર કુંભારીયા, છતડીયા અને હિંડોરણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદમાં પણ ગરબાની મજા માણી હતી.

જૂનાગઢ: વરસતા વરસાદે ગરબાની બોલાવી રમઝટજૂનાગઢમાં નવમા નોરતે વરસાદ વિઘ્ન બન્યો, તેમ છતાં ખેલૈયાઓનો જોમ ચરમસીમાએ હતો. એ.જી.સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશી પરિવાર આયોજિત ગરબા મહોત્સવમાં વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમીને ઝૂમ્યા હતા.

વલસાડ-વાપીમાં વરસાદવલસાડના વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ છેલ્લા નોરતે છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડ્યો હતો. જોકે, ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ ગરબે ઝૂમ્યા હતા. નોંધનીય છે કે, પ્રથમ અને બીજા નોરતે પણ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી.

ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે.

ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ:

  • કચ્છ: સૌથી વધુ 141 ટકા
  • દક્ષિણ ગુજરાત: 122 ટકા
  • ઉત્તર ગુજરાત: 120 ટકા
  • મધ્ય ગુજરાત: 115 ટકા
  • સૌરાષ્ટ્ર: સૌથી ઓછો 104 ટકા

વરસાદના કારણે એક તરફ ગરબાની મજા બગડી છે, તો બીજી તરફ અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોના વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ ઊભી થઈ છે.