અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.   રિવર ફ્રન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.   અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 




શહેરના પાલડી,  આશ્રમ રોડ,  એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ભારે વરસાદના કારણે વસ્ત્રાપુર ફાટક પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. વરસાદનું આગમન થતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે. 


એસપી રીંગ રોડ, પ્રહલાદ નગર ગાર્ડન, નહેરુનગર, શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ  વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે.  જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.


હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે.  સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો.  જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે.  11  ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક. 


બનાસકાંઠાના  દાંતામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.   પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે.  પવન સાથે વરસાદથી વાતાવરણ ધુધળું બન્યું છે.  ભારે વરસાદ સાથે પવનથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. 


રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે.  ગોંડલ શહેરના અક્ષર મંદિર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા છે.  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે.  વૃક્ષો ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.