Unseasonal Rain: અમદાવાદમાં બપોર બાદ ફરી વરસાદનું જોર વધ્યું છે. સતત એક કલાકથી અમદાવાદમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં પણ વરસાદની શરુઆત થઈ છે. નિકોલ,નરોડામાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ છે. ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
ભર શિયાળે અમદાવાદમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. ભર શિયાળે શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. હવામાન વિભાગ અનુસાર માવઠાનો માર હજુ કાલે બપોર સુધી યથાવત રહેશે. કાલે બપોરે બે વાગ્યા બાદ માવઠાનું જોર ઘટવાની શક્યતા છે.
ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત પરથી સિસ્ટમ પસાર થઈ રહી છે. વરસાદી સિસ્ટમમાં પાણીનો જથ્થો વધારે હોવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે સવાર બાદ વરસાદી સિસ્ટમ પસાર થઈ જશે.
અમદાવાદ પશ્ચિમના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ વિસ્તારમાં વરસાદે બઘડાટી બોલાવી છે. સાણંદ, બાવળા અને દહેગામ,શિલજ,શેલા,શિવરંજની, એસજી હાઈવે, પકવાન, સેટેલાઈટ, પ્રહલાદનગર, શ્યામલ, જોધપુર, આનંદનગર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
સવાર બાદ સાંજે પણ માવઠાનો માર યથાવત છે. પવન અને ગાજવીજ સાથેના વરસાદથી રવિવારની મજા બગડી છે. ગામડામાં ખેતી, શહેરમાં રવિવારની મજા બગડી છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે અમદાવાદ ગ્રામ્યમાં ખેતીને નુકસાન થયું છે. વરસાદના કારણે લગ્ન સહિતના કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું છે. અમદાવાદને આવતીકાલે સવારે 10 વાગ્યા બાદ મુક્તિ મળશે. શિયાળામાં વરસેલા વરસાદથી રોગચાળો વકરવાની આશંકા છે.
રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે.
વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.