અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. ત્રણ કલાકના વરસાદમાં શહેર પાણી-પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતાં.  અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતાં.  શહેરમાં ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે.  અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 



જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરીયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ પણ તથા પરિમલ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.  


રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર


રાજ્યમાં 24 કલાકમાં  153 તાલુકમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના બોડેલી તાલુકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. ક્વાંટ તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાવીજેતપુર તાલુકમાં સાડા દસ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા દસ ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી છે.  ડાંગ જિલ્લાના વધઈમાં 10 ઈંચ તો આહવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવણમાં 6 ઈંચ,  છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં 6  ઈંચ જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.