અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની સહિતના વિસ્તારમાં વિજળીના કડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામના કારણે લોકો રસ્તા પર જ ફસાઈ ગયા હતા. શહેરના   એસ.જી હાઇવે, બોપલ, સિંધુભવન રોડ, ગોતા, થલતેજ, મકરબામાં વરસાદ વરસ્યો છે. આ સિવાય વેજલપુર, વાસણા,  સરખેજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. 




રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર


રાજ્યમાં 24 કલાકમાં  153 તાલુકમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના બોડેલી તાલુકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. ક્વાંટ તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાવીજેતપુર તાલુકમાં સાડા દસ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા દસ ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી છે.  ડાંગ જિલ્લાના વધઈમાં 10 ઈંચ તો આહવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવણમાં 6 ઈંચ,  છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં 6  ઈંચ જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી