Ahmadabad Rain: હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. આજ સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસતો હતો.સવાર 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઇ હતી. સપ્તાહનો પહેલો વર્કિગ ડે હોવાથી કામ ધંધે જતા લોકો પરેશાન થયા હતા. વિઝિબિલિટી ડાઉન થતા અને રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.
અમદાવાદમાં સોમવારની સવારે લગભગ 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નરોડા, નિકોલ, બાપુનગર, CTM, વટવા સહિતના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. આ ઉપરાંત પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. મેઘાણીનગર, વટવાસ એસજી હાઇવે, બોપલ, સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે.
અમદાવાદમાં વરસાદ સૌથી મોટી મુશ્કેલી જળભરાવ અને સાથે રસ્તા પર ભૂવાને લઇને આવે છે. છેલ્લા બે દિવસથી વરસતાં વરસાદે અનેક રસ્તાને જળમગ્ન કરી દીધા છે. ખાડા ભરેલા રોડ રસ્તા પાણી સભર થઇ જતાં શહેરીજનોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને વાહન ચાલકો સૌથી વધુ પરેશાની ભોગવી રહ્યાં છે. પાણીના નિકાલને લઇને અમદાવાદ મનપાના દાવા પોકળ સાબિત થયા છે. ભારે વરસાદના 18 કલાક બાદ પણ કેટલાક ઠેકાણે હજુ જળભરાવ છે. ત્યાં ફરી વરસાદે વધુ મુશ્કેલી નોતરી છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. વટવામાં ગુજરાત ઓફ્સેડ રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદમાં પ્રિ-મોનસૂન કામગીરીના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થતાં જોવા મળે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં 30 જુલાઇ સુધી વરસાદ વરસશે. જો કે હવામાન વિભાગે 29 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટી જશે. જો કે 29 જુલાઇ બાદ કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે.