અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઘુમા, પકવાન, થલતેજ, સેટેલાઇટ, વેજલપુર, પાલડી, બોડકદેવ, બોપલ, બોડકદેવ, એસ.જી હાઈવે, ઈસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય શહેરના સોલા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. તે સિવાય અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, ભિલોડા,ધનસુરા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં નવ ઇંચ અને વિસાવરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે
આ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું.
મુશળધાર વરસાદથી ગીરસોમનાથની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમવાર પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થઇ હતી. બે કલાકમાં તાલાળામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉનામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.