અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નારોલ, નરોડા, પાલડી, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. પાલડી અને દાણીલીમડા વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
પાલડી અને દાણીલીમડામાં કરા સાથે વરસાદ
શહેરમાં ધૂળની ડમરીઓ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો છે. લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે. નાના બાળકોએ વરસાદમાં ભીંજાવાની મજા માણી છે. ભરઉનાળે કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.
નારોલ અને નોરાડા વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 15થી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
શેલા બોપલમાં ભારે પવન
અમદાવાદના બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાહનચાલકો વાહન ન ચલાવી શકે તેવો પવન છે. લોકો રસ્તાઓમાં રોકાઈ ગયા છે. અચાનક અમદાવાદ શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પ્રહલાદનગર અને શ્યામલ વિસ્તારમાં પણ આ પ્રકારનું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાયન્સ સિટી વિસ્તારમાં પણ અચાનક પલટો આવ્યો છે.
બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં હળવો વરસાદ શરૂ થયો છે.
વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે.
ભાવનગર શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરુ થયો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાજવીજ સાથે હળવા છાંટા શરૂ થયા છે. 40 ડિગ્રીના તાપમાન વચ્ચે વરસાદી વાતાવરણના કારણે કાળઝાળ ગરમીથી લોકોએ આંશિક રાહત મળી છે.