Lalla Bihari Chandola Lake: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દબાણોનો વ્યાપક સામ્રાજ્ય જમાવનાર માફિયા લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી તેજ બની છે. ચંડોળા વિસ્તારમાં કથિત રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવીને 'મિની બાંગ્લાદેશ' બનાવી દેનાર લલ્લા બિહારીને અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા આજે તેના ગુનાહિત અડ્ડા ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (પુનર્નિર્માણ) કરવામાં આવ્યું. પોલીસને હાથ ઝડપાતા જ લલ્લા બિહારી 'પોપટ' બની ગયો હોવાનું મનાય છે અને તપાસમાં સહયોગ આપી રહ્યો છે.

ક્રાઈમબ્રાંચ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને સાથે રાખીને ચંડોળા વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસે લલ્લાને તે તમામ જગ્યાઓ પર લઈ જઈને નિવેદન નોંધ્યા હતા, જ્યાં તેણે ગેરકાયદે દબાણો કર્યા હતા અને પોતાના ગોરખધંધાઓ ચલાવ્યા હતા. ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા ફાર્મ હાઉસના સ્થળે પણ પોલીસ લલ્લા અને તેના દીકરાને લઈને પહોંચી હતી. માનવામાં આવે છે કે આ ફાર્મ હાઉસ લલ્લા બિહારીએ અવૈધ ધંધા અને નાણાંની ઉઘરાણી (ખંડણી) કરીને ઉભું કર્યું હતું, અને અહીંથી તે અસામાજિક પ્રવૃત્તિઓ કરતો હતો.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન ક્રાઈમબ્રાંચ દ્વારા પંચનામું કરવા સહિતની કાયદેસરની પ્રક્રિયાઓ પણ કરવામાં આવી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય લલ્લાની ગુનાહિત પ્રવૃત્તિઓ, દબાણો અને તેના સામ્રાજ્યના વ્યાપ અંગે ચોક્કસ પુરાવા એકત્ર કરવાનો છે. લલ્લા બિહારીની ધરપકડ બાદ કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના ભાગરૂપે આ તપાસ કાર્યવાહી ચાલી રહી છે.

જે ચંડોળા વિસ્તાર પર લલ્લા બિહારી દબાણ કરીને રાજ કરતો હતો, ત્યાં આજે તેને આરોપી બનીને ક્રાઈમબ્રાંચ સાથે લંગડાતો આવતા જોઈને લોકોમાં ચર્ચા હતી. રિકન્સ્ટ્રક્શનને લઈને ચંડોળા તળાવ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર હતો.

ચંડોળા તળાવના ડિમોલિશન બાદ વોલનું કામ પણ અટકવાયું

નોંધનીય છે કે, આ સમગ્ર મામલા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડાઓ અને બાંધકામોને દૂર કરવા માટે ૨૯ અને ૩૦ એપ્રિલ એમ બે દિવસ મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, બાંધકામ તોડ્યા બાદ કોઈપણ નક્કર આયોજન વગર કામગીરી થઈ હોવાના સવાલો ઉભા થયા છે. ચંડોળા તળાવની કામગીરી અચાનક બંધ થતા વિવાદ સર્જાયો છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ઇસનપુર તરફથી ચંડોળા તળાવમાં દૂર કરાયેલા બાંધકામ નજીક ₹૩ કરોડના ખર્ચે પ્રિ-કાસ્ટ દિવાલ બનાવવાનું કામ જે ૨ મેના રોજ શરૂ કરાયું હતું, તે માત્ર એક દિવસ બાદ એટલે કે ૩ મેથી બંધ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, સૌથી પહેલા જગ્યાની માપણી અને સર્વે કરીને ત્યારબાદ જ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.