અમદાવાદઃવલસાડની સ્કૂલ હોવાનું કહેવાતો એક વાયરલ વીડિયો ટ્વિટ કરવા મામલે વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બદનક્ષીના કેસમાં આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ  વી.એમ.પંચોલીએ ધરપકડ સામે વધુ એક દિવસ સ્ટે આપી પોતાની ભૂલ થઇ ગઇ એવું સોગંદનામું રજૂ કરવાનો મેવાણીને આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે વાયરલ વીડિયો પોસ્ટ કરવાને લઇને વલસાડની સ્કૂલે પોલીસ સ્ટેશનમાં મેવાણી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.


જસ્ટિસ વીએમ પંચોલીએ અવલોકન કર્યું હતું કે, સામાન્ય માણસ કોઇ વસ્તુ શેર કરે અને ભૂલ ત્યારે સમજાય છે પરંતુ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઇ પણ વસ્તુ જાહેરમાં શેર કરતા અગાઉ ચકાસણી કરવાની જરૂરિયાત છે. સરકારી વકીલે મેવાણીના મોબાઈલની તપાસ કરવાની પરવાનગી માંગી હતી પરંતુ કોર્ટે મંજૂરી આપી નહોતી અને કહ્યુ હતું કે, મેવાણી તપાસમાં સહકાર આપવા તૈયાર છે તેથી મોબાઇલ તપાસની જરૂર નથી જ્યારે સહકાર ના આપે ત્યારે કોર્ટ પાસે  આવજો.

મેવાણીના વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી હતી કે જીજ્ઞેશ દ્ધારા શેર કરવામાં આવ્યા બાદ ભૂલની જાણ થતાં વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી.ઉલ્લેખનીય છે કે વિધાનસભાનો સત્ર ચાલી રહ્યું છે ત્યારે આગોતરા જામીન મેળવવા જીજ્ઞેશ મેવાણી દ્વારા શનિવારે હાઈકોર્ટંમાં રિટ દાખલ કરાઈ હતી જેમાં કોર્ટે તેમની ધરપકડ સામે બે દિવસનો સ્ટે આપ્યો હતો.

નોંધનીય છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટિવટર પર વીડિયો શેયર કર્યો હતો જેમાં વલસાડની શાળામાં બાળકને જે રીતે મારવામાં આવે છે તેની ક્રુરતાથી વ્યથિત PMOને ટેગ કર્યા હતા જોકે વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં તેમણે ટ્વિટ ડિલિટ કરી આ અંગેની સપષ્ટતા પણ કરી હતી. આ વાયરલ વીડિયોને લઇને મેવાણી વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.