અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારના બની હિટ એંડ રનની ઘટના બની છે. એક અજાણ્યા વાહનનો ચાલક ઈસ્કોન બ્રિજ પર ચાલીને પસાર થતા મહિલાને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા એસજી હાઈવે -2 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક મહિલા કોણ છે તે અંગે હજુ જાણી શકાયુ નથી. પોલીસને ઘટનાસ્થળથી મિરર મળી આવ્યો છે. જેના પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક હોવાનું પોલીસને અનુમાન છે. કાર ચાલકે મહિલાને 10 ફૂટથી વધુ ઘસડી હોય તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.


પોલીસે હિંટ એંડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઈસ્કોન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી છે. અકસ્માત સર્જનાર કોણ છે અને મૃતક મહિલા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


સમભાવ ગ્રુપ પર ITના દરોડામાં મળી આવ્યા 1000 કરોડ થી વધુના બિનહિસાબી વ્યવહારો


અમદાવાદ: અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે બુધવારે હાથ ધરેલા મેગા ઓપરેશનમાં મોટી ગેરરીતિ સામે આવી છે.  સમભાવ ગ્રૂપ પર પાડેલા દરોડા દરમિયાન કુલ 1 હજાર કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સમભાવ ગ્રુપ પર ITના દરોડામાં મળી આવ્યા 1000 કરોડ થી વધુના બિનહિસાબી વ્યવહારો. ઈન્કમટેક્સ વિભાગે બુધવારે મેગા ઓપરેશન હાથ ધરીને શહેરના સમભાવ ગ્રૂપ સહિત 6 મોટા બિલ્ડરોના ઠેકાણાં ઉપર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે એકસાથે 24 ઠેકાણાં પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમભાવ ગ્રૂપની વર્ષો જૂની નાણાંકીય ગેરરીતિ મળી આવી છે.


આવકવેરા વિભાગે દરોડા દરમિયાન સમભાવ ગ્રૂપના 150 કરોડ રૂપિયાની બિનહિસાબી લોનના દસ્તાવેજો જપ્ત કર્યાં છે. જ્યારે રશીદોના આધારે 500 કરોડની ગેરરીતિ સામે આવી છે.


હાલ IT વિભાગે 2.71 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરીને 14 લોકર સીલ કરીને ચકાસણી હાથ ધરી છે. હજુ પણ સમભાવ ગ્રૂપ અને રિયલ એસ્ટેટ બ્રોકર સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ જ છે.


જણાવી દઈએ કે, બુધવારે વહેલી સવારે અમદાવાદના સમભાવ ગ્રુપ, કે મહેતા ગ્રુપ, યોગેશ પૂજારા તથા દિપક ઠક્કર સહિતના બિલ્ડરોના ઠેકાણાં પર ઈન્કમટેક્સ વિભાગે રેડ કરી  હતી. ઈન્કમટેક્સ વિભાગની ટીમોએ વહેલી સવારે 4 વાગ્યાથી અલગ-અલગ ટીમો સાથે બિલ્ડરના ઘર, ઑફિસ સહિત અન્ય ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીથી શહેરના બિલ્ડર્સ ગ્રુપમાં ફફડાટ ફેલાયો છે.