અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ તેજ થઈ રહી છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. જો કે હજુ તારીખ જાહેર નથી થઈ તેમ છતા દિલ્હીના મોટા મોટા નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે.
હવે આ કડીમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 1 જુલાઈએ ગુજરાત આવશે. આમ તો આ એક ધાર્મિક કાર્યક્રમ છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનું મહત્વ વધી જાય છે. કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. 350 કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, મહિલા કર્મચારી ઘાયલ
અમદાવાદ: શહેરના સરદાર નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સરદાર નગર બ્રાન્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં બેંકના મહિલા કર્મચારી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા મહિલા કર્મચારીને 108 દ્વારા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં આવેલા ગ્રાહકે ખુરસીમાં બેસવાની બાબતે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બેન્કના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડ્યા તો સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈ બેંક બંધ કરવામાં આવી છે અને એફએસએલની મદદ એરપોર્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે શું કરી ટકોર ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર છે. સરકાર પણ કોવિડ પ્રોટોકોલનું અમલ કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નહિ હોવાની પણ ટકોર તેમણે કરી હતી.