ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે જેને લીધે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળથી ગુજરાત તરફ એક લો-પ્રેશર ફંટાવાની શક્યતા હોવાના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેને લઈને ચેતવણી પણ આપી દેવામાં આવી છે.
લો-પ્રેશરને કારણે સક્રિય થનારી સિસ્ટમ ગુજરાતમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
લો-પ્રેશર ગુજરાતથી હજુ દૂર છે પરંતુ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં 4 ઈંચથી વધુ વરસાદ અને જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે જગ્યાએ 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે.