અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.  ત્યારે IMAના પૂર્વ પ્રમુખે લોકડાઉને લઈને મોટું નિવેદન આપ્યું છે.

 

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના અમદાવાદ ચેપ્ટરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, અમે લોકો માનીએ છીએ કે અત્યારે હાલ જોવા જઇએ તો આર્થિક રીતે ગુજરાત કે દેશમાં લોકડાઉન આપણે સહન કરી શકીએ એમ નથી. પણ જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને લોકો નથી સમજી રહ્યા, હજી પણ લોકો બજારમાં ટોળેટોળા વળીને માસ્ક વગર એ લોકો બધે જ ફરી રહ્યા છે. અને જરા પણ કેર નથી કરતા. એવા સમયે ખાલી રાતના કર્ફ્યૂથી કોઈ જ કંટ્રોલ નથી આવતો, એ આપણે જોઈ રહ્યા છીએ. 

 

તેમણે ઉમેર્યું હતું કે, એટલે ક્યાંક તો લોકોએ પોતાની જાતે સમજવું પડે, નહીં તો લોકડાઉન નાખે તો બહુ સખત આર્થિક તકલીફ ઊભી થશે . કારણ કે, બધા આર્થિક રીતે બધા જ ધંધા ખલાસ થઈ ગયા છે. એટલે એવા સમયે જો લોકો સમજી જાય તો બહુ જ સારું. કારણ કે જો લોકડાઉન આવશે તો બહુ જ તકલીફ પડશે. કોરોનાને કંટ્રોલમાં લાવવો હોય તો લોકો હજુ પણ માસ્ક પહેરીને નથી ફરતા, લોકો પ્રસંગો કરી રહ્યા છે અને પ્રસંગોમાં 50 માણસોની છૂટ છતા પણ વધારે લોકોને ભેગા કરી રહ્યા છે. એટલે જો આપણામાં આ સમજ ના આવે તો પછી લોકડાઉન જ લાગું પડે.