અમદાવાદમાં હવે કોરોનાના દર્દી ઇચ્છે તે હોસ્પિટલમાં દાખલ નહીં થઈ શકે, દાખલ કરવાની પદ્ધતિમાં સરકારે કર્યો ફેરફાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2020 07:44 AM (IST)
દર્દીની સ્થિતિ કેવી છે, બોલી શકે છે, ઓક્સિજનની જરૂર છે. આઈસીયુ બેડની જરૂર છે કે નહી વગેરે બાબત તપાસીને 108 એમ્બ્યુલંસની સેંટ્રલ કમાંડ સિસ્ટમમાં બેઠેલા તબીબને જાણ કરશે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા હાલ ચાલી રહેલી હોસ્પિટલોમાં દાખલ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દર્દી પોતે કઇ હોસ્પિટલમાં દાખલ થવા ઈચ્છે છે તે પસંદગીનો બહુ અવકાશ રહ્યો નથી. તેના બદલે હાલ કઈ હોસ્પિટલમાં જગ્યા છે તેના આધારે 108 એબ્યુલંસની ટીમ જે તે હોસ્પિટલ પર દર્દીને લઈ જઈને દાખલ કરી દેશે. દર્દીની સ્થિતિ ગંભીર છે કે સામાન્ય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી પદ્ધતિ મુજબ 108ની ટીમ દર્દીને તેના ઘરે જ તપાસીને 108ના મુખ્ય કેંદ્રના તબીબો સાથે ચર્ચા કરશે. દર્દીની સ્થિતિ કેવી છે, બોલી શકે છે, ઓક્સિજનની જરૂર છે. આઈસીયુ બેડની જરૂર છે કે નહી વગેરે બાબત તપાસીને 108 એમ્બ્યુલંસની સેંટ્રલ કમાંડ સિસ્ટમમાં બેઠેલા તબીબને જાણ કરશે. જેના રિપોર્ટના આધારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,94,402 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 305, સુરત શહેરમાં 205, વડોદરા શહેરમાં 116, રાજકોટ શહેરમાં 83, બનાસકાંઠા-54, રાજકોટ-54, ગાંધીનગર કોર્પોરેશન - 52, મહેસાણા -52 , પાટણ-49 અને સુરતમાં 41 કેસ નોંધાયા હતા.