ઘરે રહીને સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત અમદાવાદીઓ માટે ચિંતાનજક સમાચાર આવ્યા છે. હવે હોમ કેરમાં દાખલ દર્દીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન રેમડેસિવિર ઇન્જેક્શન પુરા નહીં પાડે. અમદાવાદ મહાનગર પાલિકા કમિશનર મુકેશ કુમારે AHNAના તબીબોને આ અંગેની મૌખિક સૂચના આપી છે. જો કે મનપા કમિશનરની મૌખિક સૂચના બાદ AHNAના તબીબોમાં રોષની લાગણી જોવા મળી છે.


મહત્વનું છે કે અમદાવાદ મહાનગર પાલિકાએ 15 એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં AHNAને હોમકૅયરમાં રહેતા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જોગવાઈ કરી હતી. પરંતુ પાંચ દિવસમાં જ કમિશનરે ફેરવી તોળતાં ઘરે સારવાર લેતા દર્દીઓની ચિંતા વધી છે તો તબીબો પણ મુંઝવણમાં મુકાયા છે.


અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. છેલ્લા 24 કલાકમાં 4 હજાર 631 કેસ નોંધાયા અને વધુ 23 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧ લાખ 6 હજાર 325 કેસ નોંધાયા છે. તો વધુ ૨૩ લોકોના મોત થતા અત્યાર સુધી કુલ ૨ હજાર ૬૦૩ દર્દીના મૃત્યુ થયા છે. જો કે વધુ ૮૭૬ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપતા કુલ ૭૫ હજાર ૯૯૫ લોકો કોરોના મુકત થયા છે અને શહેરમા એક્ટિવ કેસનો આંક 20 હજારને પાર થયો છે.


કોરોનાના કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઘોડાસર, ઈસનપુર, દાણીલીમડા, વટવા, મણિનગર, ઈન્દ્રપુરી, જોધપુર, પાલડી, રાણીપ, ચાંદખેડા અને રામોલના 22 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે મણિનગર, વેજલપુર, જોધપુર, નવરંગપુરા,રાણીપ, વસ્ત્રાલ, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને બોડકદેવના 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે અને હાલ 419 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે.


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.