India vs Pakistan: અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટને લઇને અપહરણ કર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં 14 ઓક્ટોબરના રોજ યોજનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું. મેચની ટિકિટનો વહિવટ કરવા જતા બે મિત્રોનું અપહરણ કરાયું હતું. અપહરણકર્તાઓએ બંન્ને મિત્રોને ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો છે.


અપહરણકર્તાઓએ બોગસ ટિકિટ વેચતા હોવાનું કહી વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ બે મિત્રો પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી 24 હજાર રૂપિયા પડાવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સેટેલાઈટ પોલીસે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.


વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની બેફામ કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.  અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.


પોલીસે અટકાયત કરાયેલા વ્યક્તિ પાસેથી 150 કરતા વધુ બનાવટી ટિકિટ કબ્જે કરી હતી. સારી ક્વોલીટીની પ્રિન્ટીંગ વાળી ટિકિટ સાથે એક યુવકની અટકાયત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. સોશલ મીડિયા પર કેટલાક લોકોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


બીસીસીઆઇને ઇમેઇલ મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનારાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ધમકી આપનાર કરણ માળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો.


નોંધનીય છે કે ભારત પાકિસ્તાન મેચના દિવસે 25000 વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અલગ અલગ 15 સ્થળોએ ખુલ્લા પ્લોટમાં દર્શકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. શો માય પાર્કિંગ એપ્લિકેશન દ્વારા વાહનચાલકો પાર્કિંગ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. 15 જેટલા પ્લોટમાં 15000 જેટલા ટુ વહીલર અને 7250 જેટલા ફોર વહીલર પાર્ક કરવામાં આવવાનો અંદાજ છે. પોલીસના અંદાજ અનુસાર, સવા લાખ લોકો સ્ટેડિયમની અંદર તો વીસ હજાર જેટલા લોકો સ્ટેડિયમ આસપાસ હશે ત્યારે ટ્રાફિક પોલીસની 20 ક્રેઇન પણ સ્ટેડિયમની આસપાસ ફેરવવામાં આવશે. પોલીસની સૂચના મુજબ ગેટ નંબર 1 થી 6 માં બેરીકેટિંગની અંદર વાહનો પ્રવેશ કરી શકશે નહીં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બે થી અઢી કિલોમીટરમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાઇ છે.