ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માના આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.
કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે. જેણે #Tokyo2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને અમદાવાદની માના પટેલને ક્વોલિફાઈ થવા માટે અભિનંદન પાઠ્વ્યા હતા. સીએમ રૂપાણીએ ટ્વિટર પર લખ્યું છે કે, "ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. માના પટેલ ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થનારા પ્રથમ મહિલા અને ત્રીજા ભારતીય સ્વિમર છે.
21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં અત્યારસુધી 80થી વધુ મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 અને રાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે. માના પટેલ ગૂજરાત વિદ્યાપીઠમાંથી તાલિમ લઈ ચૂકી છે.