ISKCON Bridge Case Update: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો. સરકારે કહ્યું ચાર્જશીટ થયું છે પરંતુ હજુ તપાસ ચાલુ છે, રસ્તો ખુલ્લો હોવા છતાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારી, સ્પીડ અંગેનો એફએસએલ રિપોર્ટ ચાર્જશીટ સાથે જ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, મૃતકો 25 વર્ષથી ઓછી ઉંમરના હતા, અગાઉના અકસ્માત બાબતે પોલીસને કોઈ વર્ધી મળી નહોતી. ઝાયડસની એક વર્ધીમાં જતી પોલીસ ને અકસ્માત દેખાયો એટલે તે ત્યાં ગયા હતા, પોલીસે યોગ્ય તપાસ કરીને જ ચાર્જશીટ કર્યું છે, બચાવ પક્ષે રજૂ કરાયેલા ચુકાદાઓ આ કેસના હકીકત અને વિગતોને લાગુ પડતા નથી. આરોપીના જામીન ના મંજૂર કરવા જોઈએ.


નવ લોકોને કચડયા બાદ પણ ગાડીને બ્રેક ના મારી


તથ્ય પટેલની જામીન અરજીનો પીડિત પક્ષ તરફથી પણ વિરોધ કરાયો હતો. આટલી બેફામ ગાડી ચલાવવાથી પોતાનું અને અન્ય લોકોનું મોત નીપજી શકે તેવી જાણકારી હોવા છતાં અને તે જ્ઞાન હોવા છતાં પણ તથ્ય પટેલે બેદરકારીથી વાહન ચલાવ્યું. લોકોના મોત નીપજી શકે તેવી સ્પીડનું ભાન હોવા છતાં બેફામ ગાડી ચલાવી નવ લોકોને કચડ્યા, વાહન જઈ શકે તેવો રસ્તો ખુલ્લો દેખાતો હોવા છતાં તથ્ય પટેલે લોકો પર ગાડી ચડાવીને કચડ્યા. નવ લોકોને કચડયા બાદ પણ ગાડીને બ્રેક ના મારી, આરોપી વળતર પેટે પૈસા ડિપોઝિટ કરાવવા તૈયાર હોવાની બાબત શું સૂચવે છે? વળતર પેટે પૈસા ચૂકવશે તો શું મૃતકો જીવતા થઈ જશે? નિર્દોષ લોકોના જીવ કચડનાર આરોપીને જામીન આપવા જોઈએ નહીં.




તમામ પક્ષે સુનાવણી પૂર્ણ

તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. 24 ઓગસ્ટના રોજ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.




ગઈકાલે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં. પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી હંગામી જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. જામીન લેવા માટે તલપાપડ થઈ રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે.