ISKCON Bridge Accident Update: ઈસ્કોન ઓવરબ્રિજ પર પુરઝડપે જગુઆર હંકારીને 10 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ કેસમાં મોટું અપડેટ આવ્યું છે. જેગુઆર કાર તેના મૂળ માલિક ક્રિશ વારિયાને પરત મળશે. 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. આ ઉપરાંત ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે કાર માલિકને સોંપવા હુકમ કરાયો છે. અકસ્માત બાદ કાર પોલીસના કબ્જામાં છે.


કારના મૂળ માલિક ક્રિશ વારિયાએ જેગુઆર પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અકસ્માતમાં ગાડીને નુકસાન થયું છે. ત્યારે મૂળ માલિકે બિઝનેસમાં ગાડી વગર તકલીફ પડતી હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ગાડી વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. આ મુદ્દે તપાસ અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ પણ જમાં કરાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ગાડીની કિંમત 78 લાખ રૂપિયા છે. અત્યારે Crpc અંતર્ગત ચાર્જશીટ બાદ 173/8ની તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ.




અરજદારના વકીલે દલીલ કરી હતી કે ગાડી પોલીસ કસ્ટડીમાં ખુલ્લા વિસ્તારમાં પડી છે, જેથી તેના ટાયર, એન્જિન વગેરે ભાગને નુકસાન થતાં અરજદારને મોટું નુકસાન થઈ શકે એમ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ માગ કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. આરોપીએ પણ જણાવ્યું હતું કે તેઓ ગાડીની માલિકી ધરાવતા નથી, જેથી આ મુદ્દામાલ મૂળ માલિક એટલે કે અરજદાર ક્રિશ વારિયાને અપાય તો કોઈ વાંધો નથી.


કોર્ટે નોંધ્યું હતું કે ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ગાડીને નુકસાનની શક્યતા છે, આથી Crpcની કલમ 451 નીચે ગાડી અરજદારને આપવી જોઈએ, પણ જરૂર પડે ગાડી તપાસ અર્થે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. ગાડી અત્યારે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ મથકે પડી છે. અરજદારને ગાડી આપવા કોર્ટે હુકમ કર્યો છે. ઉપરાંત અરજદારે 01 કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે. કોર્ટની પરવાનગી વગર અરજદાર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડશે.