અમદાવાદઃ શહેરના સૌથી મોટા શાક માર્કેટ જમાલપુર એપીએમસીને આગામી 15મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણની શક્યતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકો કહે છે કે દુકાન ભલે 33 ટકા ખૂલે પણ ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સંક્રમણનો ભય છે.


નોંધનીય છે કે, ગઈ કાલે જમાલપુર શાક માર્કેટના વેપારીઓ દ્વારા 33 ટકા દુકાનો ખુલ્લી રાખવાના વિરોધમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. શાકભાજી માર્કેટમાં માત્ર 33 ટકા વેપારીઓને ખુલ્લુ રાખવા દેવામાં આવે તો વર્ષોથી નિશ્ચિત કરેલા કમિશન એજન્ટ મારફતે જ માલ વેચતા આવેલા ખેડૂતો બીજા એજન્ટ મારફતે સોદા કરવાનું ચાલુ કરી દે તો તેવા સંજોગોમાં જે ખેડૂતો સાથેના વર્ષો જૂના વહેવારો હોય તે તૂટી જવાની દહેશતને પરિણામે કમિશન એજન્ટો જમાલપુર માર્કેટમાં એક તૃતિયાંશ દુકાન જ ખોલવા દેવાની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો.

જોકે, હવે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને જમાલપુર એપીએમસી 15મી જુલાઇ સુધી બંધ કરી દીધું છે. વેપારીઓએ વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારતા માર્કેટ બંધ કરાયુ છે.
50 જેટલા વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી અપાતા અન્ય વેપારીઓએ વિરોધ દર્શાવી હડતાલની ચિમકી ઉચ્ચારી હતી. જેથી અમદાવાદ પોલીસ કમિશ્નરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.